Gujarati Motivational Story – “આશાનુ કિરણ”
Gujarati Motivational Story – “આશાનુ કિરણ”. This story is written by our guest writer Krupali Patel.
કહેવાય છે કે આપણાથી નાના પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. આજે એ વાત એક ફુગ્ગા વેચતી આશરે 12 વર્ષની બાળકી આશાએ શીખવી દીધી.
વાત એમ હતી કે આજે સવારથીજ મન થોડું નિરાશા અનુભવી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે હવે બસ જીવનમાં આગળ વધવાનાં બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા છે. નોકરી જતી રહી, બેંકના હપ્તા સમયસર ન ભરવાને કારણે ઘર પણ સીલ થઈ ગયું. મિત્રોએ પણ મદદ માટે હાથ ઉપર કરી દીધા. ચારે બાજુથી માત્ર મુસીબત જ દેખાઈ રહી હતી. જે બધા કરે છે તેમ મેં પણ મન શાંત કરવા ઈશ્વરની શરણ લેવાનું નક્કી કર્યું.
સવારના દસ વાગ્યા હશે, હું મંદિરે જવા નિકળ્યો. ઘરેથી માંડ એક કિલોમીટર જેટલો રસ્તો પગપાળા કાપ્યો હશે, ત્યાં મારી નજર એક ફુગ્ગા વેચતી બાળકી પર પડી. તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી હતી. તેની એ માસુમીયત મને તેની તરફ આકર્ષી રહી હતી. હું તેની પાસે ગયો અને તેની પાસેથી એક ફુગ્ગો ખરુદ્યો. તે બાળકીના ચહેરા પર એક ગજબનો સંતોષ હતો. મને તેની સાથે વધું વાત કરવાની ઈચ્છા થઈ.
મેં તેનું નામ પુછ્યું તો કહે,” મારૂ નામ આશા છે, મારા પપ્પા કહે છે હું તેમના જીવનમાં આશાનું કિરણ લઈને આવી માટે મારૂ નામ આશા પાડ્યું છે.” તેની વાત સાંભળી મારા મુખ પર પણ મુસ્કાન આવી ગઈ. મને તેની સાથે વધુ વાત કરવાની ઈચ્છા થઈ. મેં તેને પુછ્યું તેને શાળાએ જવું ગમે છે? તો કહે, “હા મને શાળાએ જવું ખુબ ગમે છે અને હું મોટી થઈ આ ફુગ્ગાની જેમ આકાશમાં ઉડવા માંગુ છું અને મારા માતા પિતાનો સહારો બનવા માંગુ છું. હું ક્યારે પણ નિરાશ થવા નથી માગતી. ક્યારે પણ કોઈ મુસીબત આવે તો નિરાશ થયા વિના હિમ્મતથી તેનો સામનો કરવા માગુ છું. હું મારા નામની જેમ જ આશા રાખીશ કે બધી મુસીબત થોડા સમય પુરતી જ હોય છે માટે હિમ્મત નહી હારુ.”
એક નાનકડી બાળકીની વાત સાંભળી મારુ પણ હ્રદય પરિવર્તન થયું. મને એક વાત સમજાઈ ગઈ કે જો એક બાળકી પોતાની અંદર આશાના બીજથી બધી મુસીબતનો સામનો કરવાની હિમ્મત રાખી શકે છે તો હું કેમ નિરાશ થાવ છું? હું પણ મારી બધી મુસીબતને હરાવીશ. મારી અંદર નિરાશાને ફરી નહી આવવા દઉ. એક જ આશા રાખીશ કે બધું જ સારુ થઈ જશે. મે આશાને ધન્યવાદ કરી કહ્યુંકે તેણે મને મુસીબતથી લડવા એક આશાનું કિરણ બતાવ્યું છે. તે બાળકી નિર્દોષભાવથી મારી સામે જોઈ માત્ર હસી રહી હતી. મને લાગ્યું કદાચ ઈશ્વર જ આશાનું રૂપ લઈ મને રસ્તો બતાવવા આવ્યા હશે.
હજી તો હું મંદિર પહોંચ્યો પણ ન હતો કે રસ્તામાં જ મારા બધા સવાલના જવાબ મળી ગયા. કહે છે ને જે વ્યક્તિના મનમાં કોઈ કપટ ના હોય ઈશ્વર તેની મદદ જરૂર કરે છે. મેં મંદિર પહોંચી ઈશ્વરનો બે હાથ જોડી આભાર માન્યો, અને વચન આપ્યું કે જીવનમાં ક્યારે પણ નિરાશ નહી થાવ અને ધીરજ થી બધી મુસીબતનો સામનો કરીશ.
Moral of the Story, “Never Give Up” in any situations.
Stories You may Like to Read
- Gujarati Life Stories
- Internet Love Story In Gujarati
- Positive Stories In Gujarati
- Gujarati Love Story
- Poem on life in hindi
